LRD ભરતીમાં ફી ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ, ઉમેદવારો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી આ રીતે ફી ભરી શકશે - LRD FORM FEES PAYMENT
- હજુ પણ 23,404 ઉમેદવારને ફી ભરવાની બાકી છે
- અત્યારસુધીમાં 1.18 લાખ ઉમેદવારે ફી ભરી છે
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાની સીધી ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોને રૂ.100 ફી અને પોસ્ટ-બેંક ચાર્જ ભરવાનો રહે છે. લોકરક્ષક ભરતીમાં અરજી કરનારને ફી ભરવાનો આવતીકાલે 12 નવેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. ફી ભરવાપાત્ર ઉમેદવારો 1.42 લાખ છે, જેમાંથી અત્યારસુધીમાં 1.18 લાખ ઉમેદવારોએ ફી ભરી દીધી છે.
23 હજાર જેટલા ઉમેદવારોને ફી ભરવાની બાકી
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે 23,404 ઉમેદવારને ફી ભરવાની બાકી છે. 12 નવેમ્બર ફી ભરવાની છેલ્લી તારીખ છે, જેથી જે ઉમેદવારે ફી ભરવાની બાકી હોય તેઓ ઝડપથી ભરી દે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી મગાવાઈ હતી, જેમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજી આવી છે. એમાં 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે કુલ 86,188 જેટલી અરજીઓ આવી હોવાનું હસમુખ પટેલે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. ઉમેદવારોને છેલ્લી તારીખ સુધી રાહ ન જોતાં આજે જ ફી ભરી લેવા તેમણે જણાવ્યું હતું.
જે ઉમેદવારો ઓનલાઇન ફી ભરવા માગતા હોય તેમણે Online Payment of Fees ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન બેન્કિંગ અથવા ATM DEBIT કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી પરીક્ષા ફી ભરવાની રહેશે. જે માટે પરીક્ષા ફી રૂ.100 તથા બેંક ચાર્જીસ રૂ.5.90 ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યા અંગેની પહોંચની પ્રિન્ટ કાઢી લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન પેમેન્ટમાં UPI માધ્યમથી ફીનાં નાણાં ભરનારે સર્વિસ ચાર્જીસનાં નાણાં રૂ.5.90 ચૂકવવાના રહેશે નહીં.
ઓફલાઇન ફી ભરવાનો વિકલ્પ
જે ઉમેદવારો એકલાઇન ફી (પોસ્ટ ઓફિસ દ્વારા) ભરવા માગતા હોય તેમણે Print Post office Challan ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટેના ચલણના નકલની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઉમેદવારોએ ચલણ સાથે રાજ્યની કોઇપણ કમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફિસમાં જઇને પરીક્ષા ફી રૂ.100 તથા પોસ્ટ ઓફિસ ચાર્જીસનાં નાણાં રૂ.12 ભરવાના રહેશે. ચલણની એક નકલ પોસ્ટ ઓફિસ રાખી લેશે અને બે નકલમાં સિક્કા મારીને ઉમેદવારને પરત આપશે. પોસ્ટ ઓફિસમાં અરજી કરી ફી ભરેલા ચલણ/ઓનલાઈન ફી ભરેલ પહોંચની નકલ ઉમેદવારો ભરતી બોર્ડ દ્વારા માગણી કરવામાં આવે ત્યારે અચૂક રજૂ કરવાની રહેશે.
છેલ્લા દિવસે 86 હજાર અરજી થઈ
લોકરક્ષક દળની ભરતીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વીટ બાદ છેલ્લા બે દિવસમાં હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતાં વેબસાઈટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઈટ પર સર્વર ડાઉનના કારણે કેટલાક યુવાનો અરજીઓ કરી ન શક્યા, તેમણે અરજી કરવા તારીખ લંબાવવાની સોશિયલ મીડિયામાં માગ કરી છે. 9 નવેમ્બરે છેલ્લી તારીખ હોવાને કારણે અનેક યુવાનો અરજીઓ કરવા વેબસાઈટ પર વધુ લોડ આવતાં સર્વરમાં પ્રોબ્લેમ આવ્યો હતો. સર્વરમાં લોડ પડતાં યુવાનો અરજી કરી શક્યો નહોતા. જોકે વધુમાં વધુ યુવાનો અરજીઓ કરે અને પોલીસમાં જોડાય એના માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો તાત્કાલિક કરવામાં આવ્યો હતો. હસમુખ પટેલે આ મામલે રાતે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સર્વરની ઝડપ વધારવા માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસે 86 હજારથી વધુ યુવાનોએ અરજી કરી હતી.
છેલ્લા બે-ત્રણ દિવસ સર્વર ધીમું ચાલતાં ઘણા યુવાઓને સમસ્યા થઈ
લોકરક્ષક દળની ભરતીમાં 12 લાખ જેટલી અરજીઓ આવી છે અને હજી હજારો યુવાનો અરજીઓ કરવામાં માગે છે. ગઈકાલે તારીખ પૂરી થઈ ગયા બાદ હજી પણ અરજીઓ કરવા માટે સોશિયલ મીડિયામાં યુવાનોએ અરજીની તારીખ લંબાવવાની માગ કરી છે. બેથી ત્રણ દિવસ સર્વર ધીમું ચાલતાં અને પ્રોબ્લેમ આવતાં કેટલાક યુવાનોને અરજી થઈ શકી ન હોવાથી તેમણે હસમુખ પટેલને આ વિશે ટ્વીટ કરીને માગ કરી છે.
Comments
Post a Comment